લઘુવાર્તા: “ચિતરંજન શેઠ” -દેવાંગ વિભાકર

by Devang Vibhakar on November 30, 2012

726 views

in ગુજરાતી

ચિતરંજન શેઠ

-દેવાંગ વિભાકર

ચિતરંજન શેઠ કરીને એક ખુબ જ ધનાઢ્ય વ્યક્તિની આ વાત છે. કાપડનો ખુબજ મોટો વેપાર. ઘરમાં પૈસાની રેલમછેલ. પરીવારનાં દરેક સભ્ય માટે અલગ-અલગ ગાડી. રહેવા માટે વિશાળ બંગલો તેમજ ચોવીસે કલાક નોકર-ચાકર. આવી જાહોજલાલી. શેઠ ધાર્મિક ખરા પરંતુ અંધશ્રધ્ધાળુ પણ એટલાજ. તેમની દરેક સવાર ધાર્મિક પુજાપાઠમાં જાય. તેમનો એક નિયમ કે જ્યા સુધી તેમનાં પુજાપાઠ પુર્ણ ના થાય ત્યા સુધી કોઇ નોકરે ઘરમાં પ્રવેશવુ નહી. કેમ કે તેઓ છુતાછુતમાં ખુબ માને. પોતે ઉંચા કુળમાં જન્મેલા. તેમનાં જે નોકર-ચાકર હતા તેમનાથી ક્યારેક ભુલથી પણ કોઇ ધાર્મિક ચીજવસ્તુને અડી જવાય તો તેઓને તતડાવી નાખે. વાત એવી કે જે નોકર-ચાકર હતા તેમની જાત પ્રત્યે શેઠને રોષ કેમ કે તેમનાં પ્રમાણે તેઓ બધા નીચા કુળના! કોઇ નોકરને ભુલથી સ્પર્શી જવાય તો પહેલુ કામ તેઓ ન્હાવા જઇને પોતાને સ્વચ્છ કરવાનું કરે!

આવા વહેમીલા અને સ્વભાવે કઠોર શેઠને ત્યા બધા નોકર આવા અપમાનો છતા પણ કામ કરે કેમ કે અન્ય જગ્યાની સરખામણીએ તેમને અહીં પગાર ખુબ સારો મળે. તેમાં એક મોહનીયો કરીને નોકર. આમ તો નામ તેનું મોહન હતુ પરંતુ તેની બાવીસેક વર્ષની નાની ઉંમરને કારણે બધા તેને મોહનીયો જ કહે. મોહનીયાનું મુખ્ય કામ બંગલાનાં બગીચાની માવજત કરવાની તેમજ બધી ગાડીઓને દરરોજ સવારે ધોઇને સાફ કરવાની. તે દરરોજ શેઠને ગાડીમાં બેસતા જુએ. શેઠ તેની પાસેથી પસાર થાય પરંતુ એક નજર પણ તેના પર નાખે નહી. ક્યારેક ભુલથી શેઠની નજર મોહનિયા પર પડે ત્યારે તેમાંથી તેને તિરસ્કારની ભાવનાં સિવાય બીજુ કંઇ જોવા મળે નહી. મોહનીયાને એમ કે પોતે શેઠની ગાડીને કેવી ચકચકીત સાફ કરે છે તો ક્યારેક શેઠ ખુશ થઇને બે સારા શબ્દો કહે! પરંતુ, મોહનીયાને ખબર નહી કે, તે એક અશક્ય એવુ સ્વપ્ન જોતો.

શેઠને વેપારનાં કામ અર્થે ઘણીવાર બહારગામ જવાનું થાય. એક દિવસ તેઓ સોદો પતાવીને પરત ફરતા હશે ને તેમની ગાડી રસ્તામાં બંધ પડેલ એક ટ્રક પાછળ ઘુસી ગઇ. શેઠને ખુબ જ વાગ્યુ અને તેઓ  ઘટનાસ્થળે જ બેભાન થઇ ગયા. લોહી પણ ખુબ વહ્યુ. ત્યાથી પસાર થતા કોઇ માણસે એમ્યુલન્સને તાબડતોડ ફોન કરીને બોલાવી અને શેઠને તેમનાં જ ગામની એક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. તેમની પરિસ્થિતી લોહી વહી જવાનાં કારણે ખુબ જ નાજુક બની ગઇ અને આઇ.સી.યુ.માં દાખલ કર્યા. ડોક્ટરએ શેઠનું બ્લડ ગૃપ તપાસ્યુ. ખુબ જ ઓછા લોકોને હોય તે બ્લડ ગૃપ શેઠનું હતુ. બ્લડબેંકમાં તપાસ કરાવી તો તે લોહીની બોટલ ખલાસ થઇ ગયેલી કેમ કે હાલમાં જ કોઇ અન્ય દર્દીને એ લોહીની જરૂર પડતા તે તેને મોકલી અપાયેલુ. શેઠને થોડાક સમયમાં નવુ લોહીનાં ચડાવી શકાય તો તેમનાં જીવન-મરણનો પ્રશ્ન બની રહે. શેઠનાં પરીવારનાં સભ્યો અને બધા સગા-વ્હાલાઓ ત્યા હાજર થઇ ગયેલા. તેમને પણ પુછવામાં આવ્યુ, પરંતુ કોઇનું પણ બ્લડ ગૃપ શેઠનાં બ્લડ ગૃપ સાથે મેચ ના થયુ.

એક ખુણામાં બધાથી થોડુ અંતર જાળવતા બધા નોકર-ચાકર ઉભા હતા. ડોક્ટરનું ધ્યાન તેમનાં પર જતા તેમણે તેઓને પણ પુ્છ્યુ. પરંતુ તેમને કોઇને પોતાનું બ્લડ ગૃપ કયુ છે તેની ખબર નહી, એટલે નર્સે તેમનાં બ્લડ ગૃપ ફટાફટ ચકાસ્યા. કોઇનું બ્લડ ગૃપ શેઠનાં બ્લડ ગૃપ સાથે મળ્યુ નહી, સિવાય મોહનીયાનું. હવે, પરિસ્થિતી એટલી નાજુક હતી કે શેઠને જો તાબડતોડ લોહી ના ચડાવી શકાય તો તેઓ નિશ્ર્ચિત મૃત્યુને ભેટે. એટલે પરીવારનાં સભ્યોએ પણ વિરોધ ના કર્યો અને મોહનીયાનું લોહી લઇને શેઠને ચડાવવામાં આવ્યુ!

લોહી તેમજ અન્ય સારવાર સમયસર મળતા શેઠની જિંદગી બચી ગઇ. શેઠ ભાનમાં આવ્યા ત્યારે પરીવારનાં સભ્યોએ તેમને બધી વાત કરી. જે વ્યક્તિ નીચાકુળનાં વ્યક્તિને અડતા પણ અભડાતો આજે પોતાનાં શરીરમાં તેનું જ લોહી ભળીને એક બની રહ્યુ છે અને તેનાથી પોતાને જીવતદાન મળ્યુ છે એ બાબતે શેઠને વિચારતા કરી મુક્યા. તેમની વર્ષોની અંધશ્રધ્ધાળુ માનસિકતા પર તેમને પહેલી જ વાર તિરસ્કાર છુટ્યો. તેમને એક વાત બરાબર સમજાઇ ગઇ કે ઉપરવાળાએ જ્યારે મારા અને મોહનીયાનાં લોહીને બનાવવામાં કોઇ ભેદ નથી રાખ્યો તો હું કોણ એવા ભેદની દિવાલ ચણનાર?

અઠવાડીયા પછી શેઠને રજા આપવામાં આવી. પોતાનાં બંગલે પહોંચીને, ગાડીમાથી ઉતરતાવેત પહેલુ એક કામ કર્યુ જે તેમણે આજ સુધી ક્યારેય નહોતુ કરેલુ. સામે ઉભેલા મોહનીયાની પાસે જઇને તેઓ તેને ભેટી પડ્યા અને ચોધાર આંસુએ રડી રહ્યા.

Related Posts Plugin for WordPress, Blogger...

{ 3 comments… read them below or add one }

1 bhogi gondalia December 1, 2012 at 10:47 am

indeed inspiring and educative story … all we need is how to eradicate this ‘Jati’ and Achhut system – this is the only way of continuous education and awareness..

Reply

2 Devang Vibhakar December 1, 2012 at 2:23 pm

It’s so deeply rooted in us. It needs practise in real life.

Reply

3 bhaskar thakar December 9, 2012 at 5:05 pm

Really inspiring story. Good thoughts.
How long we people will wait to eradicate the caste taboo ?
Let God may give the wisdom to us to justify.
Thanks.
bhaskar thakar

Reply

Leave a Comment

Previous post:

Next post: