લઘુવાર્તા: દસ રૂપીયા -દેવાંગ વિભાકર

by Devang Vibhakar on November 25, 2012

1,074 views

in ગુજરાતી

દસ રૂપીયા

-દેવાંગ વિભાકર

વાત છે શહેરમાં વસતા બે મિત્રોની. બન્ને મિત્રો અલગ-અલગ જગ્યાએ નોકરી કરે. એકવાર તેમનાં મિત્રવર્તુળમાં કોઇ વ્યક્તિનું મૃત્યુ થઇ ગયુ. વ્યવહારીકતા મુજબ સાંજે રાખેલ બેસણામાં બન્ને મિત્રોએ સાથે જવાનું ફોન દ્રારા નક્કી કર્યુ. બેસણું જ્યાં રાખેલુ તે સ્થળ થોડે દુર હતુ. બન્નેએ કોઇ એક ચોક્કસ જગ્યાએ ભેગા થવાનું અને પછી ત્યાથી સાથે જવાનું નક્કી કર્યુ. સાંજનો સમય થયો અને એક મિત્ર નિયત કરેલ જગ્યાએ સમયસર પહોંચી ગયો. પરંતુ અન્ય મિત્ર હજી આવેલ નહી. પહોંચી ગયેલ મિત્રએ વિચાર્યુ કે પાંચેક મિનીટ રાહ જોઉ અને ત્યા સુધીમાં તે ના આવે તો પછી ફોન કરુ કે હું પહોચી ગયો છુ. આમ તે, પોતાનું બાઇક ચોકમાં એક ખુણામાં પાર્ક કરીને તેના પર બેઠો.

બેએક મિનીટ પછી, તેની નજીકમાં જ એક સાંઠેક વર્ષનાં કોઇ બાપા આવીને ઊભા રહ્યા. જુઓ તો મેલા-ઘેલા કપડા પહેરેલા, પગમાં સ્લિપર પણ અલગ-અલગ, અને હાથમાં એક થેલી હતી જે ખુબજ મેલી અને વાસ મારતી હોય તેવુ તેના દેખાવ પરથી ચોક્કસ નક્કી કરી શકાય તેમ હતુ. એ બાપા, એ ચોકમાંથી પસાર થતા અને ડાબી બાજુનાં રસ્તા તરફ જતા બાઇકસવારોને પોતાનો હાથ ઉંચો કરીને લીફ્ટ માંગી રહેલ. પરંતુ દેખાવથી જ જોવા ના ગમે તેવા વ્યક્તિને પોતાનાં બાઇક પર બેસાડવા કોણ રાજી થાય? કેટલાય બાઇકસવાર ત્યાથી પસાર થયા પરંતુ બાપા સામે જુવાની પણ તસદી કોઇએ લીધી નહી. કોઇએ તો વળી અણગમો પણ દાખવ્યો. જો કે, ત્યાથી પેસેન્જર રીક્ષા ઘણી પસાર થઇ રહેલી, પરંતુ બાપા તેમાં બેસતા નહી.

બેએક મિનીટ આ બધુ, પેલા મિત્રએ જોએ રાખ્યુ. તેને પણ કોઇ કામ તો હતુ નહી, સિવાય મિત્રની રાહ જોયા વગર. જો કે તેના મગજનો પારો ધીમે-ધીમે ઉંચો ચડી રહેલો, કેમ કે બીજો મિત્ર નક્કી કરેલ સમય થઇ ગયો હોવા છતા આવેલ નહી. એટલે હવે તેણે પોતાનાં મોબાઇલમાંથી તેને ફોન કરવાનું નક્કી કર્યુ અને ખિસ્સામાંથી મોબાઇલ કાઢ્યો. તે જ સમયે, પેલા બાપા ઉભા-ઉભા આ મિત્રની સામે જોઇને બોલ્યા, “આ રીક્ષાવાળાઓ પણ આગળ ખુણે હુધી લઇ જવાનાં દહ રૂપીયા તોડી લે છે. એક તો આ હાંધાનાં દરદને લીધે હલાતુ નથી અને બીજુ કોઇ બેહાડતુય નથી. અમારા જેવા મજુરી કરીને પેટીયુ રળનારા માણહનો તો ભગવાનય નથી.” કોણ જાણે કેમ પણ, બાપાનાં આ શબ્દો સાંભળીને તેને અનુકંપા થઇ આવી. પરંતુ, તેને પણ જવાનું હોવાથી, તેણે સાંભળ્યુ ના સાંભળ્યુ કર્યુ.

તેણે પોતાનાં મિત્રને ફોન જોડ્યો. ફોન લાગ્યો કે તરત જ પેલા મિત્રએ બીજાનો ઉધડો  લેતા કહ્યુ, ’અહી પંદર મિનીટથી ઉભો છુ, તારા દર્શન ક્યારે થશે?’
સામેથી બીજા મિત્રએ કહ્યુ, ’એલા, હું પણ ત્યા જ ઉભો છુ, તુ કેમ દેખાતો નથી?”.
’ત્યા એટલે ક્યાં? આ યુનિવર્સીટી ચોકમાં જ હું છુ, તુ હો તો મને દેખાયા વગર ના જ રહે.” પેલા મિત્રની હવે કમાન થોડી છટકી.
’યુનિવર્સિટી ચોક? આપણે ત્યા ક્યા ભેગા થવાનું હતુ? હું તો અહી, યુનિવર્સિટી કેમ્પસનાં કોર્નર પાસે ઉભો છુ.”

થયેલુ એવુ કે, સવારે બન્ને મિત્રો કામમાં હોવાથી વાત કરવામાં આ કમ્યુનિકેશન ગેપ રહી ગયો. યુનિવર્સીટી કેમ્પસ અને યુનિવર્સીટી ચોક! બન્નેને એમ કે બન્ને સમજી ગયા છે, પરંતુ ઉતાવળને લીધે બન્ને અલગ-અલગ સ્થળ સમજેલા.

છેલ્લે ગિન્નાઇને પેલા મિત્રએ કહ્યુ, ’સારુ, હવે ત્યા જ ઉભો રહે, હું ફટાફટ પહોંચુ છુ.’, અને તેણે બાઇક સ્ટાર્ટ કર્યુ. જેવો ત્યાથી તે નિકળવા ગયો તેવો તેને પેલા બાપાનો વિચાર આવ્યો અને અચાનક જ તેનાથી કહેવાઇ ગયુ, ’ચાલો બાપા, બેસી જાવ..”
’ભગવાન તારુ ભલુ કરે’, કહેતા જ બાપા પાછળની સીટ પર બેસી ગયા. રસ્તામાં બાપા બોલાતા ગયા, ’હવારથી હાંજ હુધી, આ યુનિવર્સીટીનાં બગીસાની માવજત કરુ છુ. રોજનાં હાઇઠ રૂપીયા આપે. એમાય જો આ આવવા-જાવાનાં દહ દહ રૂપીયા આપી દવ તો વાહે હું વધે? મોટરસાયકલ ખાલી હોય તો ય કોઇ બેહાડતુ નથી અને માથે આ ભાંગેલ પગ! ઉપરવાળોય ધણી નથી થાતો! હારુ થ્યુ તે બેહાઇડો આ ડોહાને.” આમ તે વાત કરતા હતા, તેમા પેલા મિત્રએ કહ્યુ કે બાપા, મારે આગળનાં ખુણા સુધી જવાનું છે ત્યા તમને ઉતારી દઇશ.
’ઇ’ય ઘણુય બાપલીયા . ન્યાથી મારે હાઇ-વે કો’ર થોડુક જાવાનુ સે, પણ ઇ’તો હાલી જવાહે.” કહેતા બાપાએ કફની ઉધરસ ખાધી.
યુનિવર્સીટી કેમ્પસનાં કોર્નર પર હજી પહોંચ્યો જ કે બીજા મિત્રનો ફોન આવ્યો, “ડીયર, આ કોર્નર પર ભયંકર ટ્રાફિક હતો એટલે હું સહેજ આગળ ઉભો છુ, હાઇ-વે બાજુ, ત્યા જ આવી જા.” આ સાંભળીને પેલા મિત્રને તેના પર ખરેખર ચીડ ચડી કે એક તો પહેલા ખોટી જગ્યાએ રાહ જોવડાવી અને હવે આગળ જઇને ઉભો છે, મળવા દે મને, બરાબરનો ખખડાવી નાખુ આજે તો.
બાપા ઉતરવાની તૈયારી કરતા હતા ત્યાંજ પેલા મિત્રએ કહ્યુ ’બેઠા રહો બાપા, મારે પણ હાઇ-વે પર થોડે સુધી જવાનું છે. તમારુ ઘર પેલા આવી જાય તો કે જો ઉતારી દઇશ, નહીતર મારે જાવુ છે ત્યા સુધી લઇ જાઉ.”
“ભલે, બાપલિયા” કહેતા બાપા બેઠા રહ્યા.

બાઇક ચલાવતા, આ મિત્રને જાણે કંઇક ચમકારો થયો. તેને છેલ્લી વીસ મિનીટ એક અલગ જ રીતે દેખાવા લાગી. તે વિચારવા લાગ્યો કે, શું જે જગ્યાએ મળવાનું હતુ તે સમજવામાં મારી જે ભૂલ થઇ તે થવા પાછળનું કોઇ ખાસ કારણ હતુ? શું આ બાપાને ભગવાનમાંથી જે વિશ્વાસ ઉડતો દેખાય છે, તે વિશ્વાસને જ ફરી સાર્થક કરાવવા ઉપરવાળાએ મને આ રીતે ભટકાવ્યો? જોવા ના ગમે તેવા બાપાને મારાથી કેમ તેમને પાછળ બેસવાનું કહેવાઇ ગયુ? આ સમગ્ર ઘટનાક્રમમાં મને જે ભૂલ દેખાય છે, તે શું ખરેખર એક અગાઉથી થયેલ ગોઠવણ જ છે? આવા વિચાર કરતા-કરતા બીજો મિત્ર ઉભો હતો ત્યા બાઇક પહોંચ્યુ. બાપાએ ઉતરતાવેંત કહ્યુ, ’આ હામે દેખાય ઇ મારુ મકાન. ભગવાન તારુ ભલુ કરે!” અને બાપા તેનાં ઘર તરફ ચાલવા લાગ્યા.

પેલા મિત્રને બીજા મિત્ર પર જે ગુસ્સો હતો કે મળતાવેંત જ તેનો ઉધડો લેવાનો વિચાર હતો તે જાણે પરપોટાની માફક ઓગળી ગયો. જે વ્યક્તિને જીવનમાં દસ રૂ્પીયા બચાવવા માટે પણ કેટલીય માનસિક અને શારીરિક વ્યથા ભોગવવી પડે છે, તેનાં માટે ઉપરવાળાએ કેટલી અદભૂત સગવડ ગોઠવી દિધી કે તેને ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા આ રીતે અનાયાસે જ તેના થકી ગોઠવી આપી. કેટલુ સુક્ષ્મ વૈશ્વિક આયોજન!

મનોમન તે ઉપરવાળાને વંદન કરતો, મિત્ર સાથે પ્રેમથી, કોઇ ફરીયાદ વગર બેસણામાં જવા ચાલ્યો ગયો.

Related Posts Plugin for WordPress, Blogger...

{ 10 comments… read them below or add one }

1 Rupen patel November 25, 2012 at 1:23 pm

saras varta che .

Reply

2 Devang Vibhakar November 25, 2012 at 4:12 pm

આભાર રૂપેન પટેલ.

Reply

3 Devang Shah November 25, 2012 at 3:04 pm

very nice dear devang,
ishwar ni chal samanya manvi samje ane ena uper vishwas rakhe to j mann ni shanti male.
vaha’ der’ he ‘andher’ nahi…

Reply

4 Devang Vibhakar November 25, 2012 at 4:14 pm

દેવાંગ શાહ, સાચી વાત. ઇશ્વરની રચનાં તો નિરાળી અને અગમ્ય છે. ખબર પડે ત્યારે જ ખબર પડે છે કે આ વસ્તુ તો આમ જ થવાની હતી!

Reply

5 Anand November 25, 2012 at 8:23 pm

I have had silmilar exp. near Aamrpali cinema. Initially i was reluctant to offer a ride to a senior citizen and then just did.. I feel really good that entire day..

Reply

6 Devang Vibhakar November 25, 2012 at 11:29 pm

Great.

Reply

7 Dharmesh Kundaliya November 27, 2012 at 5:26 pm

ભગવાન તો આપણને કાયમ રસ્તો બતાવેજ છે, જો આપણે જોઇ શકીયે તો!

ખૂબ જ સરસ

Reply

8 bhuva kshirap December 13, 2012 at 11:03 pm

very great article really

Reply

9 Devang Vibhakar December 14, 2012 at 10:38 am

Thanks Bhuva kshirap

Reply

10 કેતન પોપટ February 10, 2013 at 1:30 pm

લ્યુથર નું સંચાલકીય વર્ગીકરણ posdcord ઈશ્વર દ્વારા

Reply

Leave a Comment

Previous post:

Next post: