પગે લાગવું
-દેવાંગ વિભાકર
આ વાત છે એક ખુબજ હોંશીયાર યુવાન શ્રીપાળની. અભ્યાસમાં ખુબજ તેજસ્વી. પહેલો ક્રમાંક જ આવે. સ્વભાવે પણ મળતાવડો અને વડીલોને હંમેશા માન આપે. પરીવારનાં બધા સભ્યો ભેગા થયા હોય ત્યારે તે બધાને નમે અને આશિર્વાદ મેળવે. તેના આવા માન આપવાનાં વ્યવહારથી વડિલોને પણ તેના પ્રત્યે પ્રેમ ઉપજે.
બારમાં ધોરણમાં ખુબજ સારુ પરીણામ મેળવ્યુ. તેને એડમિશન પણ મેડીકલમાં મળ્યુ. અભ્યાસમાં તેજસ્વી હોવાનાં કારણે તેણે એમ.બી.બી.એસ. તો કર્યુ અને પછી એમ.એસ. પણ કર્યુ. ડોક્ટર બન્યા બાદ થોડો સમય તેણે ખ્યાતનામ હોસ્પિટલમાં અનુભવ મેળવ્યો. અનુભવનાં સહારે તેણે બે વર્ષ પછી પોતાની જ હોસ્પિટલ શરૂ કરી.
મળતાવડા સ્વભાવ અને જ્ઞાનનાં કારણે તેની હોસ્પિટલ ખુબ સારી ચાલવા લાગી. આજુબાજુનાં ગામડાઓમાંથી પણ દર્દીઓ આવવા લાગ્યા. તેણે કરેલા ઓપરેશન મહતમ સફળ જ થાય છે તેવી છાપ દર્દીઓમાં પડી ગયેલી. એટલે આખો દિવસ તેની હોસ્પિટલ પર દર્દીઓ લાઇન લગાવીને તેની રાહ જોવે પણ બીજે ના જાય. નાની ઉંમરમાં ખુબજ સફળતા મળી તેમજ સાથે-સાથે ’ડોક્ટર સાહેબ’ તરીકેનું માનપાન પણ મળવા લાગ્યુ. શહેરનાં અગ્રગણ્ય ડોક્ટરમાં તેની ગણના થવા લાગી. કોઇ સામાજીક પ્રસંગ હોય તો ડો. શ્રીપાળને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવે અને ત્યા તેનું હારતોરાથી સન્માન પણ થાય.
ઝડપી સફળતા તેમજ સામાજીક દરજ્જો મળવાને કારણે થયુ એવુ કે તેનામાં અહંકાર આવ્યો. પહેલા જે સામાન્ય દર્દી સાથે પ્રેમથી વાત કરતો તેમાં હવે થોડો અહમ ભળવા લાગ્યો. પરીવારમાં પણ તેનું વર્તન બદલવા લાગ્યુ પહેલા તે જ્યારે જ્યારે તેનો આખો પરીવાર એકઠો થતો ત્યારે બધા વડીલોને મળતાવેત જ પગે લાગતો. તે ધીમે-ધીમે ઓછુ થયુ અને થોડા સમયમાં તો તેણે પગે લાગવાનું જ છો્ડી દિધુ. તેને અંદરથી એવો વિચાર આવવા લાગ્યો કે મારી સામાજીક પ્રતિષ્ઠા કેટલી વિશાળ છે.. હું જ્યા જઉ ત્યા મને મળવા તેમજ મારી બાજુમાં બેસવા મળે તેને લોકો પોતાનું અહોભાગ્ય સમજે છે. તો હું હવે શા કારણે પગે લાગુ? તેમાં મારી પ્રતિ્ષ્ઠાનો પ્રશ્ન છે. પહેલા વાત અલગ હતી, પરંતુ હવે તો મારા મોભા પ્રમાણે મારે પગે ના લાગવુ જોઇએ. આવા વિચારો સાથે તેના સ્વભાવમાં ઘણુ પરીવર્તન આવી ગયુ જે પરીવારનાં સભ્યોનાં ધ્યાનમાં પણ આવ્યુ પરંતુ કોઇએ તેને કંઇ કહ્યુ નહી, કેમ કે માન એ માંગવાની વસ્તુ તો નથી જ.
થોડા સમયમાં તેના લગ્ન થયા. તેની હોસ્પિટલ પહેલા કરતા પણ વધારે સારી ચાલવા લાગી. કહેવાય છે ને કે સુખનાં દિવસો ફટાફટ પસાર થતા હોય છે. લગ્નનાં બે વર્ષ બાદ તેની ઘરે એક ફુલ જેવી દિકરીનો જન્મ થયો. દિકરીનો ખુબ જ લાડકોડથી ઉછેર કર્યો. તે પાંચ વર્ષની થઇ એટલે તેને શહેરની શહેરની સારામાં સારી સ્કુલમાં બેસાડી.
એક સવારની વાત છે. તેની દિકરીને સવારનાં સાત વાગ્યાની સ્કુલ હોવાથી તે વહેલી ઉઠતી. તેની મમ્મી તેને તૈયાર કરે તેમજ નાસ્તો કરાવે. પોણા સાત વાગ્યે તેને તેડવા માટે સ્કુલ-બસ આવે. શ્રીપાળ ત્યારે સુતો હોય કેમ કે તેને હોસ્પિટલએ છેક અગીયાર જવાનું હોય. ક્યારેય નહીને આજે તેની દિકરીએ તેને ઉઠાડ્યો.
શ્રીપાળ ઉંઘમાં જ હતો પરંતુ વ્હાલી દિકરીનાં અવાજથી તેણે આંખ ખોલી અને પુછ્યુ, “શું છે બેટા?”
તેની દિકરીએ કોમળ અવાજમાં કહ્યુ, “પપ્પા, ઉઠોને મારે તમારુ એક કામ છે.”
દિકરીને ક્યારેય કોઇ બાબતની ના પાડેલી જ નહી એટલે આંખો ચોડતા શ્રીપાળ પથારી પર બેઠો થયો અને ફરીથી પુછ્યુ, “શું થયુ બેટા? શું કામ છે?”
જવાબમાં દિકરીએ કહ્યુ, “એમ નહી, તમે બેડ પરથી નીચે ઉતરો અને અહી ઉભા રહો.”
હવે શ્રીપાળને થોડી ખીજ ચડી. એક તો પોતે નિંદરમાં હતો અને તેમાય તેની દિકરી તેને શું કામ છે એ કહી નહોતી રહી. થોડા અણગમાં સાથે તેની દિકરીએ કહ્યુ તેમ તે ઉભો થયો અને કહ્યુ, “હા, હવે કહે શું કામ છે?”
દિકરીએ કશું જ ના કહેતા, તેનાં કોમળ અને નાના હાથનો વાંકા વળતા શ્રીપાળનાં પગ પર સ્પર્શ કર્યો અને ઉપર ઉઠતા તેનાં પપ્પાને મીઠ્ઠી ભાષામાં કહ્યુ, “પપ્પા, કાલે અમને સ્કુલમાં મેડમએ પપ્પા-મમ્મી અને જે મોટા હોય તેને આવી રીતે દરરોજ પગે લાગવાનું કહ્યુ છે. તેનાથી અમને ઘણી બધી વિદ્યા અને આશિર્વાદ મળશે જેથી હું તમારી જેમ ખુબ જ મોટી ડોક્ટર બની શકીશ.”, કહેતા જ તેની સ્કુલ-બસનું હોર્ન વાગતા ત્યાથી દોડતા દોડતા “બાય, પપ્પા” કહેતા સ્કુલએ જવા નીકળી ગઇ.
છેલ્લી બે-ત્રણ મિનીટમાં આ જે ઘટના ઘટી તેનાથી શ્રીપાળની નિંદર તો ઉડી જ ગઇ પરંતુ જાણે તેનાં અંત:ચક્ષુ પણ ઉઘડી ગયા. તેને તેની દિકરીએ એક એવી વાત સમજાવી દિધી જેનાથી તેને પોતાનામાં આવેલ અયોગ્ય પરીવર્તનનો એ જ ઘડીએ ખ્યાલ આવી ગયો.
હવે જ્યારે શ્રીપાળનો પરીવાર કોઇ પ્રસંગ ભેગો થાય છે ત્યારે તે તેની દિકરીને તો બધા વડીલોને પગે લાગવાનું કહે છે, સાથે સાથે પોતે પણ પગે લાગે છે.
























{ 4 comments… read them below or add one }
Khub saral ane sundar ….:)
Thank you Seemaji.
this may happen or may not happen is altogether another matter however full concept and putting across is lovely indeed….હવે જ્યારે શ્રીપાળનો પરીવાર કોઇ પ્રસંગ ભેગો થાય છે ત્યારે તે તેની દિકરીને તો બધા વડીલોને પગે લાગવાનું કહે છે, સાથે સાથે પોતે પણ પગે લાગે છે…..i liked it Vibhakar …hope to hear rather read more from you….best regards ..
Yes Bhogibhai, more would come for sure.